S-400: અમેરિકાએ તુર્કી પર લગાવ્યા પ્રતિબંધ, ભારત માટે કડક સંદેશ? જાણો શું છે મામલો
Trending Photos
વોશિંગ્ટન/નવી દિલ્હી: વિદાય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા બદલ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. આ સાથે જ અન્ય દેશોને પણ ચેતવ્યા છે કે રશિયા સાથે આવી ડીલ કરતા બચો. આ નવા વિવાદે હવે જો બાઈડેને ઉકેલવો પડશે. તેઓ 20 જાન્યુઆરીના રોજ શપથ લેવાના છે. અમેરિકાની આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થઈ ગયો છે કે ભારત પ્રત્યે તેનું શું વલણ હશે? કારણ કે રશિયાની મિસાઈલ સિસ્ટમની ઈચ્છા ધરાવનારાઓમાં ભારત પણ સામેલ છે.
સાઉદી-UAE માં ભારતીય સેના પ્રમુખના ભવ્ય સ્વાગતથી Pakistan ચિંતાતૂર, પૂર્વ PMએ ઈમરાન પર સાધ્યું નિશાન
નિયમોના ભંગથી બચો
અમેરિકી સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે તુર્કીએ નિયમોનો ભંગ કર્યો જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકાયા છે. અમે આશા રાખીએ છીએ કે દુનિયાના અન્ય દેશો The Countering America's Adversaries Through Sanctions Act (CAATSA) ની સેક્શન 231નું પાલન કરશે. આ સાથે જ અમેરિકાએ એમ પણ કહ્યું કે બાકી દેશોએ રશિયાની ડિફેન્સ સિસ્ટમથી બચવું જોઈએ, જે પ્રતિબંધનું કારણ બની શકે છે.
2018માં થઈ હતી ડીલ
ભારતે 2018માં રશિયા સાથે S-400 એર ડિફેન્સ સિસ્ટમના પાંચ યુનિટ માટે 5.43 બિલિયન અમેરિકી ડોલરની ડીલ કરી હતી. અમેરિકાની આપત્તિઓને બાજુ પર હડસેલીને ભારતે આ પગલું ભર્યું હતું. જો કે મોદી સરકારે કૂટનીતિક સ્તરે મોટા ભાગે આ મામલો ઉકેલી લીધો હતો પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવનથી જતા જતા ટ્રમ્પે તુર્કી પર પ્રતિબંધ લાદીને વિવાદને ફરીથી હવા આપી છે. હવે આવામાં બધુ જો બાઈડેન પર નિર્ભર કરે છે અને હવે તે મુજબ ભારતે પોતાની રણનીતિ તૈયાર કરવી પડશે.
આ છે અમેરિકાની દાનત
અમેરિકા કહેવા માંગે છે કે ભારત રક્ષા ખરીદ મામલે રશિયાને બહુ ભાવ ન આપે. ડોનાલ્ડ ટ્રમ્પ અનેક અવસરે આ ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેની પાછળ તેઓ હથિયારોની હોડનો હવાલો આપે છે, પરંતુ તેમણે પોતે ભારત સાથે અનેક રક્ષા ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. 2019માં ભારત પ્રવાસ દરમિયાન ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદી સાથે 3.5 બિલિયન અમેરિકી ડોલરની હથિયારની ડીલ અંગે જાહેરાત કરી હતી. આ ડીલમાં 24 સિકોરસ્કી MH-60R સી હોક મલ્ટી રોલ હેલિકોપ્ટર, છ બોઈંગ AH-64E અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર સામેલ છે.
કેમ ખાસ છે S-400?
રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમને દુનિયાનું સૌથી ઘાતક હથિયાર માનવામાં આવે છે. જમીનથી હવામાં માર કરનારી આ સિસ્ટમ કોઈ પણ સંભવિત હવાઈ હુમલાની પહેલેથી જ જાણકારી મેળવી લે છે. એસ-400 એરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઈલ અને એટલે સુધી કે પરમાણુ મિસાઈલને પણ 400 કિમી પહેલા જ નષ્ટ કરી શકે છે. એસ-400 અત્યાધુનિક રડારોથી લેસ છે અને 600 કિલોમીટરના અંતર સુધી લક્ષ્યને જોઈ શકે છે. સેટેલાઈટથી કનેક્ટ રહેવાના કારણે જરૂરી સિગ્નલ અને જાણકારીઓ તરત મળી જાય છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ એક સાથે 36 લક્ષ્ય પર નિશાન લગાવી શકે છે અને પાંચ મિનિટની અંદર તૈનાત કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે